ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા પ્રથમ ‘પ્રાકૃતિક કૃષિ શાળા’નો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરાએ આ શાળાને રાજ્યના 250થી વધુ તાલુકાઓમાં લઈ જવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમનો શુભારંભ પ્રાકૃતિક યજ્ઞ અને ગૌપૂજન સાથે કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના ખેડૂત અગ્રણી હિરેન હિરપરાની ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન, કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત કૃષિ, જમીનની ફળદ્રુપતા વધારવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતરનું પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું. પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, જન્મદાત્રી માતા, ધરતીમાતા, ગૌમાતા અને નદીમાતાનું જતન કરતો સમાજ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અધિકારી બને છે. તેમણે પ્રાકૃતિક કૃષિને માત્ર ખેતી નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા ગણાવી હતી. હિરેન હિરપરાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવાયેલા પ્રાકૃતિક ખેતીના વિઝનને પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ગુજરાતના 250થી વધુ તાલુકાઓમાં પહોંચાડવામાં આવશે. આ માટે રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ શાળાઓ યોજીને ખેડૂતોને પ્રત્યક્ષ તાલીમ, કૃષિ નિષ્ણાતોનું માર્ગદર્શન અને સ્થાનિક સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો પૂરા પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાત ડૉ. વી.પી. રામાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા પ્રગતિશીલ મહિલા અને પુરુષ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

