નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આવેલા પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સાત સ્કોર્પિયો કાર સાથે સ્ટંટ કરવા કેટલાક યુવાનોને ભારે પડ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બીલીમોરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ કારચાલકોને ઝડપી પાડ્યા હતા. ચીખલી તાલુકાના એક યુવાને તાજેતરમાં નવી સ્કોર્પિયો કાર ખરીદી હતી. આ નવી કારના શુકન કરવા અને મહાદેવના આશીર્વાદ લેવા તે પોતાના અન્ય છ મિત્રો સાથે બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યો હતો. તમામ મિત્રો પાસે કાળા રંગની સ્કોર્પિયો કાર હતી અને તમામ ગાડીઓના કાચ પર પ્રતિબંધિત ડાર્ક ફિલ્મ લગાવેલી હતી. મંદિરમાં દર્શન કર્યા બાદ આ યુવાનોએ મંદિરના ખુલ્લા ગ્રાઉન્ડમાં પોતાની સાતેય ગાડીઓ લાઈનબદ્ધ ગોઠવી જોખમી રીતે સ્ટંટ કર્યા હતા. આ દરમિયાન તેઓએ વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પવિત્ર યાત્રાધામના પ્રાંગણમાં આ પ્રકારે સ્ટંટબાજી જોઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. વાયરલ વીડિયો બીલીમોરા પોલીસના ધ્યાન પર આવતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે તમામ સાતેય સ્કોર્પિયો કાર અને તેના ચાલકોને ઝડપી પાડ્યા હતા. કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે, પોલીસે તમામ સાત કારના કાચ પરથી ડાર્ક ફિલ્મ જાતે જ ઉતરાવી હતી. આ ઉપરાંત, ટ્રાફિક નિયમોના ભંગ બદલ તમામ ગાડીઓને RTO મેમો પકડાવવામાં આવ્યો હતો. જાહેરમાં જોખમી રીતે વાહન ચલાવવા બદલ યુવાનોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. બીલીમોરા પોલીસની આ કડક કાર્યવાહી બાદ સ્ટંટ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળોએ મર્યાદા ઓળંગીને સ્ટંટ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

