ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અતિવૃષ્ટિ અને પૂર અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, આગોતરી તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે વિવિધ વિભાગો પાસેથી વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. બેઠક દરમિયાન, નર્મદા અને ઢાંઢર નદીમાં પૂર આવે ત્યારે અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારો માટે અગાઉથી આયોજન કરવા સૂચના અપાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યૂ ટીમો, ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા તૈયાર રાખવા પણ જણાવાયું હતું. માર્ગ અને મકાન વિભાગને વરસાદથી નુકસાન થઈ શકે તેવા રસ્તાઓ અને જોખમી સ્થળોની ઓળખ કરી તાત્કાલિક બેરિકેટિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. પૂરની સ્થિતિ અંગે રીઅલ ટાઈમ એલર્ટ આપતી ‘ઈ-રેવા’ સિસ્ટમનો અસરકારક ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.આરોગ્ય વિભાગને પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે દવાઓ, આરોગ્ય ટીમો, ક્લોરિનેશન અને દવાનો છંટકાવ સહિતની કામગીરી માટે સજ્જ રહેવા નિર્દેશ અપાયો હતો. ડીજીવીસીએલને પાણી ભરાતા સબ-સ્ટેશનો અને ટ્રાન્સફોર્મરોની અગાઉની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી ટેકનિકલ ટીમો અને સામગ્રી સ્ટેન્ડબાય રાખવા જણાવાયું હતું.ખેતીવાડી વિભાગને પાક નુકસાનના સર્વે માટે ટીમો તૈયાર કરવા અને પૂર જેવી સ્થિતિમાં પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન દરેક ગામમાં સરકારી કર્મચારી અથવા તલાટી-કમ-મંત્રીની હાજરી સુનિશ્ચિત કરવા પણ આદેશ અપાયો હતો.અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવે ભારે વરસાદ છતાં આગોતરા આયોજનના કારણે સ્થિતિ નિયંત્રણમાં રહેવા બદલ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

