26.7 C
Ahmedabad
Thursday, August 13, 2026

મેમનગરમાં 7મો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:આરએમએસ ગાર્ડનમાં મોર્નિંગ વૉકર્સ ગ્રુપ દ્વારા 85 વૃક્ષો વાવવામાં આવ્યા


અમદાવાદના મેમનગર લેક પાસે આવેલા આરએમએસ ગાર્ડન ખાતે મોર્નિંગ વૉકર્સ ગ્રુપ દ્વારા 7મો વૃક્ષારોપણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર યોજાઇ ગયો હતો. આ પર્યાવરણીય કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના લગભગ 125 જેટલા લોકોએ હાજરી આપી અદભુત સહયોગ આપ્યો હતો. બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ નાગરિકોએ પર્યાવરણના જતન કાજે ઉત્સાહપૂર્વક 85 જેટલા વૃક્ષો વાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંયોજન સામાજિક આગેવાન ચંદ્રકાંત પટેલ અને લગધીર દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણનો આ સાતમો કાર્યક્રમ સંપન્ન થતાં જ હવે આખો બગીચો વૃક્ષોથી સમૃદ્ધ અને હરિયાળો બની ગયો છે. હરિયાળી વધવાને કારણે હવે ગાર્ડનમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ અને રંગબેરંગી પતંગિયાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગાર્ડન વૉકર્સ ગ્રુપ માત્ર વૃક્ષો વાવીને અટકી જતું નથી, પરંતુ નજીકના સારથિ ઉદ્યાનની પણ મુલાકાત લઈને આખું વર્ષ વૃક્ષોની જાળવણી કરે છે. જેમાં વૃક્ષના પીંજરા સરખા કરવા, નમી ગયેલા ઝાડને સીધા કરવા, લોકજાગૃતિ ફેલાવવી અને ખૂણામાં જ્યાં પાઇપ ન પહોંચતી હોય ત્યાં છોડને જાતે પાણી પાવા જેવી પ્રશંસનીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદમાં પણ આ ગ્રુપ દ્વારા ભાવભીનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. લોખંડના પાંજરા માટે ‘આઈસમેક ગ્રૂપ’નો સહયોગ
આ લોક ભાગીદારીના અનોખા અભિયાનમાં 7 ફૂટ કરતાં વધુ ઊંચા ઝાડ અને તેની સુરક્ષા માટે લોખંડના પાંજરા ખરીદવામાં આવે છે, જેમાં ‘આઈસમેક ગ્રૂપ’ તરફથી મોટો આર્થિક અને નૈતિક સહયોગ સાંપડે છે. વળી, વૃક્ષ જ્યારે મોટું અને સક્ષમ થઈ જાય ત્યારે લોખંડના પાંજરા દૂર કરવાનું કામ પણ ગ્રુપના સભ્યો દ્વારા સ્વયંસેવક તરીકે (વૉલંટરી) કરવામાં આવે છે. વિવિધ સામાજિક, રચનાત્મક પ્રવૃત્તિઓનું કેન્દ્ર
આરએમએસ ગાર્ડન મેમનગર લેક સાથે જોડાયેલું છે, જેની એક તરફ શ્રમિક વર્ગ વસે છે તો બીજી તરફ જૂની સોસાયટીઓ અને આધુનિક એપાર્ટમેન્ટ્સ આવેલા છે. આ વિવિધતાસભર વાતાવરણ વચ્ચે મેમનગર ગાર્ડન વૉકર્સ ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, પ્રજાસત્તાક દિવસ તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી, વૉક એન્ડ ટોક, અને સામાજિક પ્રશ્નોના ઉકેલ માટેની ચર્ચાઓ જેવા અનેક આયોજનો થાય છે. અહીં સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. લકધીરભાઈ દેસાઇ અને કુલબીરસિંહ બગ્ગા દરરોજ સવારે સ્ટીલનો અણીદાર સળિયો લઈને બગીચામાંથી પ્લાસ્ટિકની બોટલ્સ અને અન્ય કચરો ભેગો કરી ડસ્ટબિનમાં નાખે છે, જ્યાંથી રેગ પિકર્સ (કચરો વીણનારા) તેને લઈ જાય છે. આ બગીચામાં આવતા દરેક નાગરિક પોતાની ઈચ્છા મુજબ સેવા આપે છે; કોઈ પશુ-પક્ષી માટે પાણીના કુંડા ભરે છે, કોઈ શેરીના શ્વાનોને દૂધ પીવડાવે છે, તો કોઈ વળી સેવાવસ્તીના બાળકોને રમત-ગમતમાં જોડીને તેમના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરે છે.

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ताजा खबर