સાધ્વી હર્ષાનંદ ગિરિએ આશ્રમમાં ન રહેવા અંગેના નિવેદન પરથી યુ-ટર્ન લીધો છે. હવે તેમણે કહ્યું છે કે, મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું. મારો ઉદ્દેશ્ય કોઈ આશ્રમ કે સંત સમાજ પર સવાલ ઉઠાવવાનો નહોતો, પરંતુ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવાનો હતો. ભોપાલમાં રહેતી સાધ્વી હર્ષાનંદ ગિરિએ આ નિવેદન રવિવારે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને આપ્યું છે. રસોડામાં રસોઈ બનાવતી વખતે રેકોર્ડ કરાયેલા વીડિયોની શરૂઆત “જય શ્રીરામ” થી કરતા હર્ષાનંદ ગિરિએ કહ્યું કે તેઓ આશ્રમમાં રહેવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં તેમનો સમય ધર્મ-કર્મ, અધ્યયન અને પૂજા-પાઠમાં પસાર થાય છે. ઘરે રહેવાથી તેમને ઘરના કામ પણ કરવા પડે છે. તેમણે કહ્યું કે, જો કોઈ સંત, સંસ્થા કે આશ્રમ સુરક્ષાની ગેરંટી લે અને એ ભરોસો આપે કે ત્યાં કોઈ નુકસાન નહીં થાય, તો હું આજે પણ આશ્રમમાં રહીને સેવા કરવા માટે તૈયાર છું. જો કોઈ આશ્રમની જવાબદારી સોંપવામાં આવે તો હું તેને સંભાળવા માટે પણ તૈયાર છું. ઘરે પોતાને વધુ સુરક્ષિત અનુભવું છું વીડિયોમાં હર્ષાનંદ ગિરીએ ઉજ્જૈનમાં એક મહામંડલેશ્વર પર નોંધાયેલા રેપ કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે આરોપી હજુ પણ ફરાર છે. આવી ઘટનાઓ મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે અને આ જ કારણોસર તેઓ પોતાના ઘરમાં પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે. મહિલાઓ માટે આશ્રમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હર્ષાનંદ ગિરીએ કહ્યું કે ભવિષ્યમાં તેઓ એક એવો આશ્રમ બનાવવા માંગે છે, જ્યાં ઘરેલું હિંસા, સામાજિક સતામણી કે અન્ય કારણોસર બેઘર થયેલી મહિલાઓ અને બાળકીઓને સુરક્ષિત આશ્રય મળી શકે. તેમણે કહ્યું કે સમાજમાં ઘણી એવી મહિલાઓ છે, જેમની સુરક્ષા અને દેખભાળની જવાબદારી લેનાર કોઈ નથી. વીડિયોના અંતમાં તેમણે “હર-હર મહાદેવ” કહીને પોતાની વાત પૂરી કરી. પહેલાં કહ્યું હતું- સંત કરતાં વધારે મારી સાસુ બની ગયા મોડલમાંથી સાધ્વી બનેલી હર્ષા ઉર્ફે સાધ્વી હર્ષાનંદ ગિરીએ આ પહેલાં 31 જુલાઈએ કહ્યું હતું- આ કયા સંત છે, જેમને મારી દરેક વાત ખરાબ લાગે છે? હું ખાઉં-પહેરું, ક્યાંય રહું-કોઈને મળું. ક્યાંય ફરું તો તેમને ખરાબ લાગે છે. આ કોણ છે, જે સંત કરતાં વધારે મારી સાસુ બની ગયા છે, જે દરેક વાત પર મોં ચડાવી લે છે. તેમણે કહ્યું હતું- જે સમાજમાં 2 મહિનાની દીકરી સુરક્ષિત નથી. દરેક જગ્યાએથી રેપ, કેટલાય અપરાધો થવાની સૂચના મળે છે, ત્યાં હું ક્યાં રહું? મને કહો. હું ક્યાં સુરક્ષિત છું? જે સંત કહી રહ્યા છે કે મારે પરિવાર સાથે નથી રહેવું, તે સંત મારી સુરક્ષાની 100% ગેરંટી લઈ લે. હું તેમના આશ્રમમાં જતી રહીશ. સંતોને ક્યારથી નાની-નાની વાતોનું ખોટું લાગવા માંડ્યું, મને આ સમજાતું નથી. તેમનો ગુસ્સો પાણીના પરપોટા જેવો હોય છે. સંતમાં તો રાગ, દ્વેષ, ઈર્ષ્યા કંઈ હોતું નથી. સંતોમાં ફક્ત પ્રેમ હોય છે. તેઓ મોટીથી મોટી વાતોને હવામાં ઉડાવી દે છે.

